એક સરખા સૌના દા’ડા થઇ ગયા,
સામસામાં સૌ ઉઘાડા થઇ ગયા.
ખોડંગાતી જાતનું કારણ મળ્યું,
આ વિચારોમાં જ ખાડા થઇ ગયા.
સાતમી શેરીમાં અટકી જાય છે,
શ્વાસના પણ લ્યો સીમાડા થઇ ગયા.
રોજ ઝાકળ મો બગાડે છે હવે,
સૂર્યના કેવા ભવાડા થઇ ગયા!
સત્ય પાછું છાતી સામે આવતું,
કાન પાછા, આંખ આડા થઇ ગયા.
ફૂલની ફરિયાદ શું કરાવી હવે?
મ્હેકની વચ્ચે ય વાળા થઇ ગયા.
હરદ્વાર ગોસ્વામી.